Updated: Oct 17th, 2023
પાલિકાના ભાજપ શાસકોએ આમંત્રણ પત્રિકામાં વિપક્ષનું નામ લખ્યું શિક્ષણ સમિતિએ બાકાત કરી દીધું
ભાજપમાં ચાલતી જુથબંધીના કારણે શિક્ષણ સમિતિમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન બાદ આપેલા સર્ટીફીકેટમાં વિપક્ષ તો ઠીક પણ ઉપાધઘ્યક્ષનું નામ પણ ગાયબ
સુરત, તા. 17 ઓક્ટોબર 2023 મંગળવાર
સુરત મહાનગરપાલિકા અને શિક્ષણ સમિતિ બન્નેમાં ભાજપ શાસકો જ છે તેમ છતાં આમંત્રણ માટેની નક્કી કરેલી નીતિમાં બન્નેના માપદંડ જુદા જુદા જોવા મળી રહ્યાં છે. એક દસકા બાદ પાલિકાએ આમંત્રણ પત્રિકામાં વિપક્ષને સ્થાન આપવાનું શરુ કરી દીધું છે. પરંતુ શિક્ષણ સમિતિએ પાલિકાના ભાજપ શાસકોની આ પરંપરાને યોગ્ય ગણી નથી. જેના કારણે શિક્ષણ સમિતિના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિપક્ષનું નામ ગાયબ કરી દીધું છે. આ ઉપરાંત શિક્ષણ સમિતિમાં ચાલતી જુથબંધીના કારણે ગણિત વિજ્ઞાન પ્રદર્શન બાદ આપેલા સર્ટીફીકેટમાં વિપક્ષ તો ઠીક પણ ઉપાધઘ્યક્ષનું નામ પણ ગાયબ થઈ ગયું છે તે ચર્ચાનો વિષય બન્યો છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વિવાદ સિક્કાની બે બાજુ બની ગયા છે. સુરત પાલિકાના ભાજપ શાસકોએ લાંબા સમય બાદ પાલિકાના વિવિધ કાર્યક્રમોના આમંત્રણ પત્રિકામાં પાલિકાના વિરોધ પક્ષના નામનો ઉલ્લેખ કરવામા આવતો ન હતો. પરંતુ પાલિકામાં નવા પદાધિકારીની નિમણુંક બાદ હાલમાં નવરાત્રી દરમિયાન યોજાયેલા ફુડ ફેસ્ટીવલ ના આમંત્રણ પત્રિકામાં વિરોધ પક્ષના નેતા જ નહી પરંતુ વિરોધ પક્ષના દંડકના નામ પ્રસિધ્ધ કરવામા આવ્યા છે.
પાલિકાએ આમંત્રણ પત્રિકામાં શાસકોએ વિપક્ષના નામ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે પરંતુ શિક્ષણ સમિતિના ભાજપ શાસકો હજી પાલિકાના ભાજપ શાસકોના નિતી નિયમને ગણતા નથી. આગામી 19 ઓક્ટોબરના રોજ રાસ ગરબા અને લોક નૃત્યના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. વરાછાના સરદાર સ્મૃતિ ભવનમાં યોજાનારા કાર્યક્રમની આમંત્રમ પત્રિકા આપવામાં આવી છે પરંતુ શિક્ષણ સમિતિના ભાજપ શાસકોએ પાલિકાના વિરોધ પક્ષનું નામ લખ્યું નથી.
આ વિવાદ સાથે શિક્ષણ સમિતિમાં બીજો પણ એક વિવાદ ઉભો થયો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા થોડા દિવસો પહેલાં યુઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામા આવ્યું હતું. આ પ્રદર્શનમાં ભાગ લેનારા અને વિજેતા બનનારા વિદ્યાર્થીઓ અને શાળાને પ્રમાણ પત્ર આપવામાં આવ્યું છે. આ પ્રમાણ પત્રમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષનું નામ છે પરંતુ ઉપાધ્યક્ષનું નામ ગાયબ છે. આ પ્રમાણ પત્ર પણ શિક્ષણ સમિતિમાં વિવાદનું કેન્દ્ર બન્યો છે અને તેને ભાજપની આંતરિક જુથબંધીના કારણે ઉપાધ્યક્ષનું નામ પ્રમાણપત્રમાંથી ઉપાધ્યક્ષનું નામ કાઢી નાંખવામાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે.