Updated: Nov 28th, 2023
Image Source: Freepik
વેપારીને ફોન કરી ઈન્ડિયા માર્કેટમાંથી તમારો નંબર મળ્યો છે, પેમેન્ટ સમયસર મળી જશે તેવો વિશ્વાસ આપી માલ મળ્યા બાદ પેમેન્ટ કરવાને બદલે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું
ગઠીયાએ વેપારી સાથે ઠગાઈ બાદ તેના ભાઈને પણ તે રીતે જ બે વખત ઓર્ડર આપવા પ્રયાસ કર્યો હતો
સુરત, તા. 28 નવેમ્બર 2023 મંગળવાર
સુરતની ભટાર રવિતેજ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ખાતું ધરાવતા ભટારના વેપારીને ફોન કરી ઈન્ડિયા માર્કેટમાંથી તમારો નંબર મળ્યો છે પેમેન્ટ સમયસર મળી જશે તેવો વિશ્વાસ આપી રૂ.86,900 ની વુડન સ્પુન મંગાવી અમદાવાદના ગઠીયાએ માલ મળ્યા બાદ પેમેન્ટ કરવાને બદલે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.ગઠીયાએ વેપારી સાથે ઠગાઈ બાદ તેના ભાઈને પણ તે રીતે જ બે વખત ઓર્ડર આપવા પ્રયાસ કર્યો હતો
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ભટાર વિદ્યાભારતી સ્કુલ પાસે સૂર્ય પ્લાઝા એ/401 માં રહેતા 24 વર્ષીય રોનક્ભાઈ સુનિલભાઈ અગ્રવાલ ભટાર રવિતેજ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ખાતા નં.72 માં રાની સતી ટ્રેડર્સના નામે વુડન સ્પુન બનાવવાનું ખાતું ધરાવે છે.ગત 2 ઓક્ટોબરના રોજ તે ખાતા પર હાજર હતા ત્યારે અજાણ્યા નંબર પરથી એક વ્યકિતએ ફોન કરી પોતાની ઓળખ નિરવ જૈન તરીકે આપી ઈન્ડિયા માર્કેટમાંથી તમારો નંબર મળ્યો છે, મારે વુડન સ્પુનનો ઓર્ડર જોઈએ છે, પેમેન્ટ સમયસર મળી જશે કહેતા રોનક્ભાઈએ તેને કેટલોગ મોકલી હતી.ત્રણ દિવસ બાદ નિરવ જૈને સ્પુનના ફોટા સિલેક્ટ કરી ઓર્ડર મોકલતા રોનક્ભાઈએ તેને બીજા દિવસે માલ તૈયાર કરી રૂ.86,900 નું બિલ બનાવી બિલ અને એકાઉન્ટની ડિટેઇલ મોકલી હતી.જોકે, નિરવ જૈને પેમેન્ટ નહીં કરતા રોનક્ભાઈએ પૂછ્યું તો નિરવ જૈને માલ-બિલ્ટી મળે એટલે પેમેન્ટ આપીશ તેવો ભરોસો આપતા તેણે આપેલા કાર્ડ મુજબ કુંદન માર્કેટીંગ, 16/7, મોતી હોટલ, નારોલ, અમદાવાદ ખાતે માલ મોકલી આપ્યો હતો.
પરંતુ માલ મળ્યા બાદ પેમેન્ટ નહીં કરી તેણે વાયદા કરી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.ત્યાર બાદ નિરવ જૈને 6 નવેમ્બરના રોજ રોનકભાઈના ભાઈ રક્ષીતને તે જ નામ અને સરનામે અલગ મોબાઈલ નંબર પરથી ફોન કરી તેમજ 24 નવેમ્બરના રોજ ફરી રક્ષીતને ફોન કરી રાજેશ ક્રિષ્ણા માર્કેટીંગ દુકાન નં.135, કાલુપુર, અમદાવાદના નામે માલ મોકલવા ઓર્ડર કર્યો હતો.જોકે, તેણે અગાઉ પેમેન્ટ કર્યું ન હોય તે ફ્રોડ હોવાનું જાણતા રોનક્ભાઈએ તેને માલ નહીં મોકલી આ અંગે પોલીસમાં અરજી કરતા ખટોદરા પોલીસે ગતરોજ રોનકભાઈની ફરિયાદના આધારે નિરવ જૈન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.