Updated: Jan 5th, 2024
– સરહદ ઉપર સ્થાનિક એજન્ટને 20 હજાર બાંગ્લાદેશી કરન્સી આપી કડિયાકામ કરનારે ઘૂસણખોરી કરી હતીઃ પરિચીતની મદદથી એજન્ટનો સંર્પક કર્યો હતો
સુરત
સુરત શહેર એસઓજીએ મોટા વરાછાના રામ ચોક વિસ્તારમાંથી ઝડપી પાડેલા ઘૂસણખોર બાંગ્લાદેશીને બોગસ આધારકાર્ડ બનાવી આપનાર મહારાષ્ટ્ર-પાલઘરના આધારકાર્ડ એજન્ટને ઉત્રાણ પોલીસે ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં પરિચીતના કહેવાથી 5 હજાર રૂપિયામાં આધારકાર્ડ બનાવ્યો હોવાની કબૂલાત કરી છે.
ગત 1 જાન્યુઆરીના રોજ સુરત એસઓજીએ મોટા વરાછાના રામ ચોક વિસ્તારમાંથી ગેરકાયદે વસવાટ કરતા ઘૂસણખોર બાંગ્લાદેશી બહાદુર રફીક ખા (ઉ.વ. 28 રહે. રાજ એપાર્ટમેન્ટ, અંબોલી ચાર રસ્તા, અંબોલી, કામરેજ, સુરત અને મૂળ. બેંદચર, તા. કાલીયા, નોરાઇલ, બાંગ્લાદેશ) ને ઝડપી પાડયો હતો. કડિયા કામની મજૂરી કરતા બહાદુર પાસેથી આધારકાર્ડ અને પાનકાર્ડ ઉપરાંત બાંગ્લાદેશનો જન્મનો દાખલો, બાંગ્લાદેશનો નેશનલ આઇડી કાર્ડ વિગેરે મળી આવ્યા હતા.
એક સાથે બંને દેશના ઓળખના પુરાવા મળતા ચોંકી જનાર એસઓજીએ બહાદુરનો કબ્જો ઉત્રાણ પોલીસને હવાલે કરી ફરિયાદ નોંધાવી હતી. બહાદુરની પૂછપરછના આધારે ઉત્રાણ પોલીસ ભુપેન્દ્ર અમરનાથ તિવારી (ઉ.વ. 34 રહે. સી.એસ.સી સેન્ટર, શીવશક્તિ ધામ, વલાયપાડા રોડ, નાલાસોપારા-ઇસ્ટ, પાલઘર, મહારાષ્ટ્ર અને મૂળ. તલવલ, ગાજીપુર, યુ.પી) ની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે 6 વર્ષ અગાઉ બાંગ્લાદેશી એજન્ટને તેઓની કરન્સીના 20,000 ટાકા આપી શતખીરા જિલ્લાની સરહદ પરથી પ. બંગાળમાં પ્રવેશ કરી હાવડા સ્ટેશનથી સુરત આવ્યો હતો અને કડિયા કામની મજૂરી કામ કરતો હતો. તે દરમિયાન પરિચીત હસ્તક રૂ. 5 હજારમાં ભુપેન્દ્ર પાસે બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે આધારકાર્ડ બનાવ્યો હતો.