Updated: Oct 18th, 2023
– મલગામાથી
હજીરા સુધીમાં સરકારી કંપનીઓની જમીનો સંપાદન માટેની શકયતાઓ તપાસાઇ રહી છે
સુરત
ગોથાણથી
હજીરા વચ્ચે રેલ્વે ટ્રેકને લઇને ખેડુતો દ્વારા થઇ રહેલા વિરોધ વચ્ચે વહેતી થયેલી
વાતો મુજબ ગોથાણ થી મલગામા સુધીના ટ્રેકના એલાઇમેન્ટમાં ફેરફાર થવાની શકયતાઓ
ધુંધળી છે. પરંતુ મલગામાથી ૨૦ કિ.મી સુધીના હજીરા સુધીના ટ્રેકમાં સરકારી અને
કંપનીઓની માલિકીની જમીનો આવી હોવાથી આ ટ્રેકમાં ફેરફારની શકયતાઓ રહેલી હોવાથી
સર્વે શરૃ થયો હોવાનું જાણવા મળ્યુ છે.
રેલ્વે
મંત્રાલય દ્વારા ગોથાણ થી હજીરા સુધી ન્યુ બ્રોડગ્રેજ લાઇન માટે જમીન સંપાદન માટે
જાહેરનામુ બહાર પાડયુ ત્યારથી જ ખેડુતોની લડત ચાલી રહી છે. આ લડત અને વિરોધ વચ્ચે
જમીન સંપાદન અધિકારી એવા સીટી પ્રાંત ઓફિસર અને ઓલપાડ પ્રાંત ઓફિસર દ્વારા જમીન
માપણી માટેની કવાયત આદરી છે. આ કવાયત વચ્ચે રેલ્વેના સુત્રોના જણાવ્યા મુજબ હાલમાં
ગોથાણ થી હજીરા સુધીમાં અંદાજે ૫૬ કિ.મીમાં રેલ્વે ટ્રેક નાંખવા માટે જમીન
સંપાદનની કામગીરી ચાલી રહી છે. જેમાં ગોથાણ થી મલગામા સુધીના ૩૦ કિ.મીના
એલાઇમેન્ટમાં ફેરફાર થવાની શકયતાઓ ઘણી જ ઓછી છે. પરંતુ મલગામામાંથી હજીરા સુધીના
અંદાજે ૨૬ કિ.મીના રેલ્વે ટ્રેકમાં ફેરફારની શકયતાઓ ઘણી જ રહેલી છે.
સુત્રોની
વાત મુજબ મલગામાથી હજીરા સુધીમાં સરકારી તેમજ કંપનીઓની ઘણી જમીનો આવી છે. આ જમીનો જ
સંપાદન કરીને ટ્રેક લઇ જવાય તે માટેની શકયતાઓ ચકાસાઇ રહી છે. આ માટે હજીરાની કંપનીઓની
કેટલી જમીનો છે. કઇ કઇ જગ્યાએ પાઇપલાઇનો,
હાઇટેન્શન લાઇનો સહિત જમીનની હાલની સ્થિતિ શુ છે. તે સહિતની તમામ વિગતો
મંગાવાઇ રહી છે. આ વિગતો મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે
હયાત
ટ્રેક છોડીને બીજી જમીનો સંપાદન થવાથી ખેડુતોને ડબલ નુકસાન છે
ખેડુતો
જણાવે છે કે અગાઉના હયાત ટ્રેક ની આજુબાજુમાં ઘણી જમીનો પડી છે. એ જમીનો છોડીને આ
નવી જમીનો સંપાદન કરવાથી ખેડુતોને ડબલ નુકસાન થવાનું છે. કેમકે અગાઉની જમીનો તો
પડતર પડી જ છે. અને નવી જમીન સંપાદન થવાથી બીજી જમીનો પણ પડતર પડી રહેવાની છે. આથી
હાલના હયાત ટ્રેકની બાજુમાં જે જમીનો છે. તે જમીનો ખેડુતોએ આપવાની તૈયારી બતાવી
છે.
ખેડુતોને
સારામાં સારુ વળતર મળશે : મંત્રી મુકેશ પટેલ
રાજ્ય
વનપર્યાવરણમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, જયાં સુધી સરકારી
જમીનો સંપાદન થતી હશે તો તે પહેલા સરકારી જમીનો જ લેવામાં આવશે. આ ઉપરાંત કૃભકો
પછીના રેલ્વે ટ્રેક માટે સરકારી જમીનો તેમજ કંપનીઓની કેટલી જમીનો સંપાદન થાય તો
ખેડુતોની જમીન બચે છે. તે અંગેની માહિતી મેળવાઇ રહી છે. ખેડુતો કોઇની વાતમાં
દોરવાઇ નહી તે જરુરી છે. અગાઉ ખેડુતોની જમીન સંપાદન વખતે જે વળતર ચૂકવાયુ હતુ.
તેવુ જ વળતર પણ આ જમીન સંપાદનમાં ચૂકવાશે.