પંડોળમાં બેવડી હત્યા બાદ મહારાષ્ટ્રના ધાડ ખાતે નામ બદલી ભાડાના મકાનમાં રહી કડીયાકામ અને મિસ્ત્રીકામ કરી ગુજરાન ચલાવતો હતો
Updated: Jan 1st, 2024
– પંડોળમાં બેવડી હત્યા બાદ મહારાષ્ટ્રના ધાડ ખાતે નામ બદલી ભાડાના મકાનમાં રહી કડીયાકામ અને મિસ્ત્રીકામ કરી ગુજરાન ચલાવતો હતો
સુરત, : સુરતના ચોકબજાર પોલીસ મથકના વેડરોડ પંડોળ વિસ્તારમાં નવ મહિના અગાઉ હપ્તાની માંગણી કરી ચાર શ્રમજીવી ઉપર ઘાતક તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી બે ની હત્યા કરનાર દિવાન ગેંગના છ વિરુદ્ધ ચોકબજાર પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો.દિવાન ગેંગના એક માત્ર વોન્ટેડ આબીદ ઉર્ફે પંચરને સુરત ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના ધાડ ખાતેથી ઝડપી લીધો છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ચોકબજાર પોલીસ મથકના વેડરોડ પંડોળ વિસ્તારમાં ગત 3 માર્ચ 2023 ની વહેલી સવારે હપ્તાના પૈસા માંગી પંડોળ અટલજીનગર અને રહેમતનગરમાં 12 થી 13 યુવાનોએ એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય ચાર શ્રમજીવીઓ ઉપર ઘાતક તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા ત્રણ યુવાનોને ઈજા થઈ હતી અને તે પૈકી બે ના મોત નીપજ્યા હતા.ડબલ મર્ડરની આ ઘટનામાં ચોકબજાર પોલીસે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણીનો ગુનો નોંધી સાતની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં હત્યા પાછળ દિવાન ગેંગનો હાથ હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે દિવાન ગેંગના સાગરીતો વિરુદ્ધ પાસા અને તડીપાર જેવા આકરા અટકાયતી પગલાં અગાઉ ભર્યા હોવા છતાં તેમણે બેવડી હત્યા કરી હોય ગેંગના સૂત્રધાર સરફરાજ ઉર્ફે દિવાન સહિત છ વિરુદ્ધ આજરોજ ઘી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ ( ગુજસીટોક ) હેઠળ ગુનો નોંધ્યો હતો.તે પૈકી સરફરાજ ઉર્ફે દિવાન સહિત પાંચ જેલમાં હોય બાદમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
જયારે આબીદ ઉર્ફે પંચર ફરાર હતો.દરમિયાન, આબીદ ઉર્ફે પંચર સૈયદ ચાંદ ( ઉ.વ.28, રહે.ઘર નં.72, ફૂલવાડી ઝુપડપટ્ટી, મદીના મસ્જીદ પાસે, ભરીમાતા રોડ, સુરત. મૂળ રહે.ઢાલસાવંગી, તા.જાફરાબાદ, જી.બુલઢાણા, મહારાષ્ટ્ર ) પોતાની ઓળખ છુપાવી સોહીલ નામથી છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રના ધાડ ખાતે રહે છે તેવી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તેને બુલઢાણાના ધાડ ખાતેથી ઝડપી લીધો હતો.તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે બેવડી હત્યા બાદ તે પોલીસથી બચવા રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ નાસતો ફરતો હતો.ધાડમાં તે સોહીલ નામથી ભાડાના મકાનમાં રહી કડીયાકામ અને મિસ્ત્રીકામ કરતો હતો.