Updated: Nov 30th, 2023
– સુરત પાલિકાએ ફાયર સેફ્ટીના અભાવે રિંગરોડની અભિષેક માર્કેટની દુકાનો સીલ કરવાનું શરૂ કર્યું
– ફાયર સેફટી મુદ્દે લાપરવાહી દાખવનારાઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવા પાલિકાના ફાયર વિભાગની ચીમકી
સુરત,તા.30 નવેમ્બર 2023,ગુરુવાર
સુરત શહેરને અડીને આવેલા સચિન જીઆઈડીસીમાં ગઈકાલે આગની દુર્ઘટનામાં ચાર કર્મચારીઓના મોત અનેક કર્મચારીઓ ઈજાગ્રસ્ત થતાં પાલિકાના ફાયર વિભાગે સુરત શહેરની ફાયર સેફ્ટી મુદ્દે આક્રમક વલણ બનાવી દીધું છે. આજે વહેલી સવારે રીંગરોડની માર્કેટ ખુલે તે પહેલાં જ ફાયર વિભાગે રિંગરોડની અભિષેક માર્કેટની દુકાનો ફાયર સેફ્ટીના અભાવે સીલ કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ટેક્સટાઇલ માર્કેટમાં સીલીંગની કામગીરી શરૂ થતા વેપારીઓ દોડતા થયા છે.
સુરત પાલિકાના ફાયર વિભાગે રીંગરોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટ તથા અન્ય વિસ્તારમાં ફાયર સેફ્ટી ન હોય તેવી મિલકતોને નોટિસ આપવાનું શરૂ કર્યું છે. પાલિકાની નોટિસ બાદ પણ અનેક જગ્યાએ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી થતી ન હોવાથી પાલિકાએ આકરું વલણ અપનાવી મિલ્કતો સીલ કરવાની કામગીરી હાથ ધરી છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલ અભિષેક ટેક્સટાઈલ માર્કેટમાં છેલ્લાં પાંચ વર્ષથી ફાયર સેફ્ટી માટે ત્રણ વખત નોટિસ આપવામાં આવી છે. પરંતુ માર્કેટના સંચાલકો દ્વારા પાલિકાની નોટિસની અવગણના કરીને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરી ન હતી.
પાલિકાની નોટિસ બાદ પણ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી ન કરનારી માર્કેટ સામે પાલિકાએ સીલીંગની કામગીરી શરૂ કરી હતી. પાલિકાના ફાયર વિભાગે જણાવ્યું છે કે, જે મિલકતદારો પાસે ફાયર સેફ્ટીની સુવિધા ન હશે તેવા મિલ્કતદારોની મિલ્કતો સીલ કરવામાં આવશે. આ માટે પાલિકા તંત્ર સર્વે કરી રહી છે સર્વે બાદ મિલ્કતદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.