સ્થાનિકોએ વિદ્યાર્થીઓના સ્કૂલ બેગ ચેક કરતા મળી આવી સોલ્યુશન ટ્યુબ
વિદ્યાર્થીઓ હુક્કાની જેમ સોલ્યુશનને થેલી અને નળીમાં નાખીને કરતા હતા નશો
Updated: Nov 4th, 2023
ગુજરાતના વાલીઓને ચોંકાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરમાં 11-12 વર્ષના ટેણિયાઓ ભણવાની ઉંમરે નશાના રવાડે ચડી ગયા હોવાનું સામે આવ્યું છે. પાંડેસરા વિસ્તારમાં છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ ટાયર પંક્ચર માટેની સોલ્યુશન ટ્યુબ (Surat Students Solution Tube)નો નશો કરતા હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જે બાદ તેઓએ વિદ્યાર્થીઓની આકરી પૂછપરછ કરી હતી. જેમાં હચમચાવી દેનારા તથ્ય સામે આવ્યા છે.
સ્થાનિકોએ સ્કૂલ બેગ ચેક કરતા મળી આવી સોલ્યુશન ટ્યુબ
પાંડેસરા વિસ્તારની જલારામ સોસાયટીના સ્થાનિક રહેવાસીઓને શંકા ગઇ હતી કે, કેટલાક વિદ્યાર્થીઓ સોલ્યુશન ટ્યૂબનો નશો કરતા હોઇ શકે છે. આ બાળકો જ્યારે જઇ રહ્યા હતા ત્યારે સ્થાનિકોએ તેમની સ્કૂલની બેગ ચેક કરી હતી. આ દરમિયાન બાળકોની બેગમાંથી સોલ્યુશન ટ્યુબ, નળીઓ અને પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી.
હુક્કાની જેમ સોલ્યુશનને થેલી અને નળીમાં નાખીને કરતા હતા નશો
સ્થાનિકોના દાવા પ્રમાણે, આ વિદ્યાર્થીઓ સિગરેટ અને હુક્કાની જેમ પંચર સોલ્યુશનને થેલી અને નળીમાં નાંખીને આનો નશો કરતા હતા. માનવામાં આવે છે કે, સોલ્યુશન ટ્યુબના નશાથી દારૂ કરતા પણ વધારે નશો ચડે છે અને નુકસાન પણ વધારે થાય છે. આ સોલ્યુશન ટ્યુબ કોઇપણ દુકાનોમાંથી સરળતાથી મળી જતી હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓ લઇ જાય તો તેમને પૂછવાવાળું કોઇ હોતુ નથી.
છોકરાઓની સાથે છોકરીઓ પણ આવે છે સિગરેટ પીવાઃ સ્થાનિકો
આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર, થોડા દિવસોથી અમે કેટલાક વિદ્યાર્થીઓને ટ્યુબ સાથે જોતા હતા. આ બાળકો પાસે જો કોઇ હથિયાર હોય અને અમને મારી દે જેના કારણે અમે તેમને કાંઇ કહેતા ન હતા. પરંતુ અમે સોસાયટીના લોકો સાથે હતા ત્યારે તેમને પકડી પાડ્યા હતા. આ છોકરાઓ ઉપરાંત છોકરીઓ પણ આવે છે જે અહીં બેસીને સિગરેટ પીવે છે.
માતા-પિતાએ હાલ સાવધાન રહેવાનો સમય
સુરત શહેર સહિત ગુજરાતભરમાં વિદ્યાર્થીઓ નશાના રવાડે ચડ્યા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. વિદ્યાર્થીઓ સ્કૂલ અને કોલેજોની આસપાસના લારી-ગલ્લાઓ પર પાન-માવા, ગુટકા અને સિગારેટ જેવા વ્યસની પદાર્થોનું સેવન કરતા જોવા મળે છે. જો માતા-પિતા બાળકો પર આ સમયે યોગ્ય ધ્યાન ન રાખે તો બાળકો નશાના રવાડે ચડવાનું જોખમ વધી જાય છે.