Updated: Dec 17th, 2023
સુરત, તા. 17 ડિસેમ્બર 2023 રવિવાર
સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ નો દરજ્જો મળ્યા બાદ ટર્મિનલ ના લોકાર્પણ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સ ખાતે આવ્યા હતા. આ આઠ કિલોમીટરના રોડ પર ઠેર ઠેર સ્વાગત પોઈન્ટ ઉભા કર્યા હતા તેના કારણે રોડ શો હોય તેવો માહોલ ઉભો થયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધી જાય તે પહેલા ભાજપના ધારાસભ્યો દ્વારા ઉભા કરાયેલા સ્વાગત પોઈન્ટ ઉપરાંત લોકો વડા પ્રધાનની એક ઝલક માટે રોડની બાજુમાં કે એપાર્ટમેન્ટ પર ઉભા રહી ગયા હતા. લોકોને જોઈ મોદીએ પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આમ તો આ રોડ શો જાહેર કરવામા આવ્યો ન હતો પરંતુ કેટલીક જગ્યાએ લોકો સ્વયંભૂ ઉભા રહી જતા રોડ શો જેવો માહોલ ઉભો થયો હતો. આજે આગમન સાથે સ્વાગત કરવા કેટલીક મહિલાઓએ ભજન ગાયા હતા તો કેટલાક મોદી ના કટ આઉટ લઈને ઉભા રહ્યા હતા. જ્યારે કેટલાક લોકોએ ટેટુ પણ પડાવ્યા હતા આમ વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા સુરતીઓ ઘેલા બની ગયા હતા. રોડની બંને તરફ લોકો જોઈને પોલીસે પણ બંદોબસ્ત સઘન બનાવી દીધો હતો.