– ભંગારવાળા પાસે વ્હીસ્કીની ખાલી બોટલ ખરીદી નંદુરબારથી લાવેલા આલ્કોહોલ મિશ્રિત કેમિકલને ભરી સુરત સિટીમાં વેચતા હતા
– ચાર વર્ષ અગાઉના ચકચારી હત્યાકેસના આરોપી સંદીપ યાદવે જામીન પર છૂટી છેલ્લા એક મહિનાથી સાગરીત સાથે મળી મીની ફેક્ટરી શરૂ કરી હતી
સુરત, : સુરતના ડીંડોલી વિસ્તારના ચાર વર્ષ અગાઉના ચકચારી હત્યાકેસના આરોપીએ જેલમાંથી જામીન પર છૂટી છેલ્લા એક મહિનાથી સાગરીત સાથે મળી ડીંડોલી શ્રીરામનગરના એક ઘરમાં શરૂ કરેલી હલકી કક્ષાની વ્હીસ્કી બનાવવાની મીની ફેક્ટરી પર એલસીબી ઝોન ર સ્ક્વોડે કરી બંનેને ઝડપી લીધા હતા.એલસીબી ઝોન ર સ્ક્વોડે આલ્કોહોલ મિશ્રિત કેમિકલ, અન્ય સામાન સપ્લાય કરનાર અને સુરતમાં મોપેડ પર જઈ દારૂ વેચનારને વોન્ટેડ જાહેર કરી કુલ રૂ.71,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબી ઝોન ર સ્ક્વોડના એએસઆઈ જનકસિંહ ભગવાનસિંહ, પ્રદીપભાઈ જગદંબાપ્રસાદ, હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ હમીરભાઈને મળેલી બાતમીના આધારે સ્ક્વોડે ગત બપોરે ડીંડોલી સાંઇદર્શન સોસાયટી ગેટ નં.1 ની સામે શ્રીરામનગર પ્લોટ નં.9 ના બીજો માળે રેઈડ કરતા ત્યાં બે વ્યક્તિ પ્લાસ્ટિકના તગારામાંથી પ્રવાહી પ્લાસ્ટિકના જગ વડે વ્હીસ્કીની કાચની ખાલી બોટલમાં ભરતા મળ્યા હતા.પોલીસે ત્યાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના જોનપુરના વતની સંદીપ ઉદયરાજ યાદવ ( ઉ.વ.31 ) અને વિક્રમ રાજબહાદુર યાદવ ( ઉ.વ.21, નવદુર્ગા મેડીકલની બાજુમાં ભાડાની રૂમમાં, ભક્તિનગર-2, કૈલાશનગર ચાર રસ્તા પાસે, તેરેનામ રોડ, પાંડેસરા, સુરત ) ને ઝડપી સ્થળ પરથી વ્હીસ્કીની 122 બોટલ, ખાલી 38 બોટલ, પાંચ લીટર આલ્કોહોલીક પ્રવાહી, બોટલના 56 નંગ ઢાંકણ, ઢાંકણના 23 નંગ શીલ, 479 નંગ બોટલ પર લગાવવાના જુદાજુદા સ્ટીકર, તગારું, મગ, જગ, બાઉલ, મોપેડ, બે મોબાઈલ ફોન, રોકડા રૂ.4 હજાર મળી કુલ રૂ.71,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ડીંડોલી વિસ્તારના ચાર વર્ષ અગાઉના જમીનદલાલ રામફેર ગૌતમના ચકચારી હત્યાકેસમાં ઝડપાયેલા અને થોડા સમય અગાઉ જ જેલમાંથી જામીન પર છૂટેલા સંદીપ યાદવે એક મહિના અગાઉ સાગરીત વિક્રમ સાથે મળી આ મીની ફેક્ટરી શરૂ કરી હતી.હલકી કક્ષાની ( બોમ્બ તરીકે જાણીતી ) વ્હીસ્કી બનાવવા માટે તે ભંગારવાળા પાસે વ્હીસ્કીની ખાલી બોટલ ખરીદી નંદુરબારથી રાહુલ રતને મોકલેલા આલ્કોહોલ મિશ્રિત કેમિકલમાં વ્હીસ્કીની ભરેલી બોટલોમાંથી વ્હીસ્કી ખાલી કરી મિક્સ કરતા હતા.બાદમાં તેને ખાલી બોટલમાં ભરી રાહુલે જ મોકલેલા સ્ટીકર, બુચ વિગેરેની મદદથી બંધ કરી તેને મોપેડ પર સોનુ બીહારી ( રહે.ગોડાદરા, સુરત ) મારફતે સુરતમાં વેચતા હતા.
એલસીબી ઝોન 2 સ્ક્વોડે આ અંગે ડીંડોલી પોલીસ મથકમાં ગુનો નોંધાવી સંદીપ અને વિક્રમની ધરપકડ કરી રાહુલ તેમજ સોનુને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.વધુ તપાસ પીએસઆઈ એચ.સી.મસાણી કરી રહ્યા છે.